headlines:

Manner Lifestyles ( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

Manner Lifestyles( By: Blog Bye )

લાલ કિલ્લો તો નહીં પરંતુ ઘણીબધી બોલિવુડ ફિલ્મોમાં તાજ મહાલને વેંચી નાખી અને રોકડી કરતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. આ મામલે ‘બાપ નંબરી બેટા દસ નંબરી’ અને ‘બંટી ઔર બબલી’ આ બંને ફિલ્મો તરત યાદ આવી જાય. ખૈર! આ તો થઇ ફિલ્મની વાત અને એમાં બધું ચાલે પણ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં દેશના વડાપ્રધાન દરેક સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને જ્યાંથી સંબોધન કરે છે તે લાલ કિલ્લો દાલમિયા ગ્રુપને વેંચી નાખ્યો હોવાની ખબર ગરમ થઇ છે એના પર જરા સિરિયસ નજર નાખવાની જરૂર છે.

જ્યારે તમે એમ વાંચો કે લાલ કિલ્લો, તાજમહાલ, કુતુબ મીનાર કે પછી જોધપુર ફોર્ટ આ બધું વેંચાઈ ગયું ત્યારે તમે તેને સાચું માની લો કે પછી ગુગલ મહારાજની મદદ લઈને થોડી તપાસ કરો? ભારત દેશના જાગૃત નાગરિક તરીકે કદાચ તમે બીજો વિકલ્પ પહેલા પસંદ કરો બરોબરને? પરંતુ આ દેશનો વિપક્ષ કદાચ એવું નથી માનતો ઉલટું તે તો એમ માને છે કે દેશનો સરેરાશ નાગરિક અક્કલ વિનાનો છે અને અમે તેને જે કહીશું તે એ તરતજ માની લેશે.

લાલ કિલ્લો દાલમિયા ગ્રુપને વેંચાઈ ગયો છે એવા સમાચાર મળતા જ આપણા જેવા ઘણાબધા જાગૃત નાગરિકોએ ખાંખાખોળા કરવાનું શરુ કરી દીધું અને પછી જે પરિણામ જોવા મળ્યું તેનાથી ફરીથી સાબિત થઇ ગયું કે દેશનો વિપક્ષ મોદી સરકારના કોઇપણ સારા (કે ખરાબ) કાર્યનો વિરોધ માત્ર વિરોધ કરવા માટે જ કરે છે, પછી તેની પાછળ આપણા શંકરસિંહ બાપુની ફેવરીટ પ્રવૃત્તિ એટલેકે હોમવર્ક કરવાની કોઈજ જરૂરિયાત તેને લાગતી નથી.

વિપક્ષોનો દાવ ક્યાં ઉલટો પડ્યો એ જોઈએ તે પહેલાં આ આખોય મામલો શું છે તેના વિષે માહિતી લઇ લઈએ.

દેશની તમામ ઐતિહાસિક ધરોહરોની રક્ષા કરવાનું અને તેને મેન્ટેઈન કરવાની જવાબદારી આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા એટલેકે ASI ની છે. હવે એક તો આ ASI સરકારી ખાતું એટલે એની કામ કરવાની ગતિ તો મંથર હોય જ ઉપરાંત ભંડોળની કમી તેને સતત સાલતી રહેતી હોય છે આવામાં દેશના ઐતિહાસિક સ્મારકોની દેખરેખ સારી રીતે થાય એવી અપેક્ષા કેમ રાખી શકાય? જો કે આમ થવું એ બહાનું ન હોઈ શકે પણ આ હકીકતથી ઇનકાર પણ થઇ શકે તેમ નથી. આથી કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય અને ASIએ જેમ વિશ્વના અન્ય દેશોમાં ચાલે છે એમ આપણા દેશના કોર્પોરેટ્સ તેમની સામાજિક જવાબદારી અંતર્ગત દેશના આ ઐતિહાસિક સ્મારકોને દત્તક લે અને તેની સારસંભાળ રાખે એવો ‘Adopt a Heritage’ ના નામે પ્રસ્તાવ મુક્યો.

ઉપરોક્ત પ્રસ્તાવ હેઠળ લાલ કિલ્લો એવી પ્રથમ ધરોહર બન્યો જેની સંભાળ લેવાની જવાબદારી દેશના અગ્રણી ઔધોગિક જૂથ દાલમિયા ગ્રુપે લીધી. દાલમિયા ગ્રુપ આવનારા પાંચ વર્ષોમાં દર વર્ષે પાંચ કરોડ રૂપિયા લાલ કિલ્લાના રખરખાવ માટે ખર્ચ કરશે. અહીં એ વાત જરૂર નોંધવા જેવી છે કે સરકારે દાલમિયા ગ્રુપને તેના આ કાર્યના બદલામાં એક પૈસો પણ પરત આપવાનો નથી.

હવે દાલમિયા ગ્રુપને અચાનક જ એવું જ્ઞાન ક્યાંથી લાધ્યું કે તેણે લાલ કિલ્લો દત્તક લઇ લીધો અને તેની પાછળ દર વર્ષે પાંચ કરોડ જેવી માતબર રકમ પણ ખર્ચી નાખવાનો નિર્ણય લઇ લીધો? આવો સવાલ કોઈના પણ મનમાં આવે. તો વિશ્વમાં Corporate Social Responsibility એટલેકે CSR નામની એક પ્રથા વ્યાપ્ત છે. આ પ્રથાનો મતલબ એવો છે કે તમે તમારી કમાણી સમાજના વિવિધ હિસ્સામાંથી ભેગી કરો છો તો તેનો એક અંશ તમારે સમાજને પરત કરવો એ તમારી સામાજિક જવાબદારી બની જાય છે. બિલકુલ, મહાત્મા ગાંધીના Trusteeship ના સિદ્ધાંત જેવુંજ.

તો આ CSRની પ્રથા હેઠળ જ દાલમિયા ગ્રુપે લાલ કિલ્લો દત્તક લીધો છે નહીં કે તેને રૂપિયા 25 કરોડમાં ખરીદી લીધો છે એ અંગે હવે આપણા બધાનું મન સ્પષ્ટ થઇ ગયું હોવું જોઈએ. દાલમિયા ગ્રુપ એક વ્યાપારી ગ્રુપ છે અને કોઇપણ વ્યાપારી લાભ વગર તો કોઈ સેવા ન કરે? રાઈટ, તો એવું બની શકે છે કે દાલમિયા ગ્રુપ લાલ કિલ્લામાં સ્વચ્છતા જાળવે, ત્યાં પીવાનું સ્વચ્છ અને ઠંડું પાણી આપે, ત્યાં સ્વચ્છ શૌચાલય ઉભું કરે કે પછી વૃધ્ધો માટે આરામદાયક ખુરશીઓ મુકે, તેના બદલામાં જગ્યાએ જગ્યાએ પોતાની જાહેરાત મુકે. જો દેશની ધરોહર સ્વચ્છ રહેતી હોય અને તેની મુલાકાતે આવનારાઓની પૂરતી સંભાળ લેવામાં આવતી હોય તો તેને આટલી છૂટ તો મળવી જોઈએ, શું કહો છો?

બીજું, લાલ કિલ્લો જોવા આવનારને નિયત રકમ ચૂકવીને ટીકીટ પણ લેવી પડે છે, તો હવેથી આ આવક દાલમિયા ગ્રુપના ખિસ્સામાં જશે? જી ના, આ તમામ ‘આવક’ દાલમિયા ગ્રુપ લાલ કિલ્લાના રખરખાવમાં જ ફરીથી જોતરી દેશે.

તો લાલ કિલ્લો વેંચાઈ ગયો છે કે કેમ એવો તમારો ડાઉટ ક્લિયર થઇ ગયો? ઓકે, તો ચાલો હવે આ ઘટનાના રાજકીય ગેરલાભો કેવી રીતે લેવાની કોશિશ થઇ અને મોદી સરકાર વિરુદ્ધ માત્ર બુમરાણ મચાવીને આખેઆખા મુદ્દાને કેવી રીતે ભટકાવી દેવાની કોશિશ થઇ અને પછી તે કેવી રીતે મ્હાત થઇ તેના પર એક નાનકડી નજર નાખી દઈએ.

મોદી સરકારના કોઇપણ કાર્યનો આંધળી આખે વિરોધ કરવો એ આપણા દેશના ઘણા મોટા રાજનેતાઓથી માંડીને તેમના પક્ષના કાર્યકર્તાઓ અને સોશિયલ મિડીયામાં રહેલા તેમના સમર્થકોનો ફેવરીટ ટાઈમપાસ છે. ટાઈમપાસ એટલે કીધું કારણકે તેમનો ઈરાદો બે-ત્રણ દિવસ મામલાને ગરમ રાખવા પુરતો જ હોય છે, પછી જેવો બીજો આ પ્રકારે ઉભો કરેલો મામલો હાથમાં આવે એટલે જેસીક્ર્સ્ણ! લાલ કિલ્લો દાલમિયા ગ્રુપે Corporate Social Responsibility હેઠળ દત્તક લીધો કે તરતજ તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી મેદાનમાં આવ્યા અને Tweet કરી કે શું ભારત સરકાર લાલ કિલ્લાની સંભાળ નથી લઇ શકતી? લાલ કિલ્લો જે આપણા દેશની ઓળખ છે જ્યાં સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવવામાં આવે છે…વગેરે વગેરે. જતાં જતાં મમતા’દી એ આ દિવસને દેશના ઇતિહાસમાં કાળો દિવસ પણ ગણાવી દીધો.